અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે આજે સવર્ણ વર્ગની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામત લાગુ કરવાની માગ સરકાર સમક્ષ ઉઠાવવામાં આવી છે. બેઠક દરમિયાન 109 જાતિઓને સમાવતી એક સંયુક્ત કમિટી રચવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેમાં દરેક સમાજના પ્રતિનિધિને સ્થાન આપવામાં આવશે.
બેઠકમાં સવર્ણ સમાજ દ્વારા ઝવેરી પંચની ભલામણો યોગ્ય રીતે અમલમાં મૂકવાની માંગ પણ કરવામાં આવી હતી. સમાજના આગેવાનોનું કહેવું છે કે આ ભલામણોના અમલમાં ગેરરીતિ થઈ રહી છે, જેને લઈને સરકારનું ધ્યાન દોરવામાં આવશે.
માગ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલનની ચેતવણી
પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ જણાવ્યું કે, 10 ટકા EWS અનામત મુદ્દે સરકારને લેખિત રજૂઆત કરવામાં આવશે, જેમાં વિવિધ સમાજોના સહિઓ જોડાશે. તેમણે ઉમેર્યું કે તમામ સાંસદો અને ધારાસભ્યોને પણ આ બાબતે રજૂઆત કરાશે. જો સરકાર તરફથી યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો ચૂંટણીમાં પરચો બતાવવાની ચેતવણી આપવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, એસટી વિસ્તારોમાં અનામત લાગુ કરતી વખતે પણ ખામીઓ જોવા મળી છે અને રોસ્ટર પદ્ધતિ યોગ્ય રીતે અમલમાં મૂકવાની માગ પણ સરકાર સમક્ષ રજૂ કરાશે. બ્લોકની વસ્તી પ્રમાણે અનામત ફાળવવાની જરૂર હોવાનું પણ આગેવાનોએ જણાવ્યું.
આ બેઠક અંગે ક્ષત્રિય સમાજના આગેવાન રમજુભા જાડેજાએ કહ્યું કે, તમામ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે અને EWS અનામતની માગને ક્ષત્રિય સમાજનો સંપૂર્ણ સમર્થન છે.
