ટીમ ઈન્ડિયા હાલમાં શ્રીલંકા પર છે અને ત્રણ ટી20 મેચની સિરીઝ જીત્યા પછી હવે વનડે સિરીઝ રમી રહી છે. પરંતુ વનડે સિરીઝમાં ભારતના પ્રદર્શનને લઈને ચાહકો આશ્ચર્યમાં મૂકાયા છે. પહેલી વનડે જીતવાના કિનારે આવીને ટાઈ થઈ ગઈ અને બીજી વનડેમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો. બીજી બાજુ, ટી20 સિરીઝ હાર્યા પછી શ્રીલંકા જાણે જાગી ગઈ છે અને વનડે સિરીઝ જીતી લેવા મક્કમ છે.
શ્રીલંકાએ રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમને હરાવવા એક મજબૂત યોજના બનાવી છે, જેમાં ભારત સંપૂર્ણપણે ફસાઈ ગયું છે.
ઘર આંગણે રમતી ટીમને પીચ તેમની અનુકૂળતા મુજબ તૈયાર કરવાનો અધિકાર હોય છે, અને શ્રીલંકાએ આનો ભરપૂર લાભ લીધો છે. શ્રીલંકાના કોચ સનથ જયસૂર્યા અને કેપ્ટન ચરિથ અસલાંકાને ખબર હતી કે રોહિત શર્મા, વિરાટ કોહલી અને કે એલ રાહુલ સિવાય, ભારતીય બેટ્સમેન સ્પિન સામે સારું નથી રમતા.
દગો થયો?
ભારત વિરુદ્ધ વનડે સિરીઝ માટે શ્રીલંકાએ સ્પિન ફ્રેન્ડલી પીચોની માંગણી કરી કે નહીં એ વિશે ચોક્કસ કહી શકાય તેમ નથી, પરંતુ હકીકત એ છે કે મેજબાન ટીમને પહેલી બે મેચમાં જબરદસ્ત ફાયદો થયો છે. શ્રીલંકાએ સ્પિનના હથિયારથી ટીમ ઈન્ડિયા પર પ્રહાર કર્યો. પહેલી બે વનડેમાં, ભારતીય બેટ્સમેન સ્પિન સામે નબળા સાબિત થયા. વિરાટ કોહલી, શિવમ દુબે, શ્રેયસ ઐય્યર, શુભમન ગિલ, અને કે એલ રાહુલ જેવા બેટર્સ શ્રીલંકન સ્પિનર્સ સામે નિષ્ફળ રહ્યા. વનડે સિરીઝમાં અત્યાર સુધી માત્ર રોહિત શર્માએ જ દેખાડ્યું છે કે જો શ્રીલંકામાં સફળ થવું હોય તો આક્રમક રીતે રમવું પડશે.
શ્રીલંકાની ચાલમાં ફસાયું ભારત
રોહિત શર્માએ શ્રીલંકા વિરુદ્ધ પહેલી વનડેમાં 47 બોલમાં 58 રન કર્યા. બીજી વનડેમાં પણ તેમણે 44 બોલમાં 64 રન કર્યા. શ્રીલંકન કોચ અને કેપ્ટનને ખબર હતી કે મોટાભાગના ભારતીય બેટ્સમેન સ્પિનર્સ સામે નબળા છે, તેથી તેમણે આ નબળાઈનો ઉપયોગ કર્યો. પહેલી વનડેમાં શ્રીલંકન સ્પિનર્સ વાનિન્દુ હસરંગા અને ચરિથ અસલાંકાએ ભારતીય ટીમને 230 રન પર ઓલઆઉટ કરીને મેચ ટાઈ કરી.
શ્રીલંકાએ જાળ રચી
બીજી વનડેમાં પણ ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ ઓછી ન થઈ. ઈજાના કારણે વાનિન્દુ હસરંગા બહાર થઈ ગયા, અને તેના બદલે જેફ્રી વાન્ડરેસેએ ભારતીય બેટિંગ લાઈનઅપને તોડી નાખી. જેફ્રી વાન્ડરેસેએ 10 ઓવરમાં 33 રન આપીને 6 વિકેટ લીધી અને ભારતીય સ્ટાર બેટર્સને પરાજયનું મોઢું બતાવ્યું. ટીમ ઈન્ડિયા ફક્ત 208 રન પર ઓલઆઉટ થઈ અને 32 રનથી મેચ હારી ગઈ, જયારે જીત માટે 241 રનનો ટાર્ગેટ હતો.
રોહિત શર્માએ પણ આપ્યો નિવેદન
કેપ્ટન રોહિત શર્માએ મેચ બાદ કહ્યું કે ભારતીય બેટર્સે અહીંની પીચો પ્રમાણે પોતાને ઢાળવું પડશે. રોહિતે કહ્યું કે તમારે પીચો પ્રમાણે તમારી જાતને ઢાળવી પડશે. જ્યારે જેફ્રી વાન્ડરેસેએ 6 વિકેટ લીધી. શ્રીલંકાના કેપ્ટન ચરિથ અસલાંકાએ કહ્યું કે 240 રન એક સારો સ્કોર હતો. વાન્ડરસેનો સ્પેલ શાનદાર હતો. પ્લેયર ઓફ ધ મેચ બનેલા વાન્ડરસેએ કહ્યું કે ટીમ પર ખુબ દબાણ હતું, અને બેટર્સને શ્રેય આપું છું કે તેમણે 240 રનનો સ્કોર કર્યો.